Saturday, June 15, 2013

સ્ત્રી ભૃણ હત્યા (લેખ)

સ્ત્રી ભૃણ હત્યા (લેખ)

stri bhrun hatya | save daughter | dikari bachavo
       “નારી ધરી સકલ વિશ્વ તણી અનન્ય,
                        નારી વડે મનુજ – જાતિ સદૈવ ધન્ય,
સર્જે, ઘડે જગતને, ઉર – છાંય અર્પે,
                              નારી સ્વયં વિભુતપણું નક્કી-રૂપ અન્ય.”
                                              – ભગવતીકુમાર શર્મા
‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: | ‘
-આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી – સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો હતો. હિંદુ ધર્મ અનુસાર મોક્ષપ્રાપ્તિ માટે નારીનો સાથ અનિવાર્ય છે.
“ઈંટ ચુનાની દિવાલ બને, ન એ કોટડી ગૃહ ગણાય.
   પરંતુ નર અને નારી બંનેના પ્રેમથી…….
   પાષાણનું   સ્વર્ગ   થાય ……. “
પૂર્વે સ્ત્રીને દેવી કે માતાના સ્વરૂપે પૂજ્ય ગણવામાં આવતી. પરંતુ તત્કાલિન સમાજમાં આ વિચારો હાસ્યાસ્પદ બની રહ્યા હોય તેવું લાગે છે! આજે ભારતવર્ષમાં સદીઓથી દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે, જયારે દીકરાને આજીવન સહારો ગણવામાં આવે છે. આથી ‘જો દીકરી જન્મે તો નિસાસા અને દીકરો જન્મે તો પતાસા.’
બાળકી પ્રત્યેનો આપનો આવો દુર્વ્યવહાર ?
14 મી અને 15 મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા, દહેજપ્રથા, સતીપ્રથા જેવા દુષણો સંકળાયેલા હતા. અત્યારે સંજોગો અને સમય બદલાયા પણ દીકરી પ્રત્યેનો દવેશ 21 મી સદીમાં પણ બદલાયો નથી. સમાજે સુસંસ્કૃતતા અને આધુનિકતાની ચાદર તો ઓઢી પરંતુ તે ચાદરની થીંગડાની નિશાનીઓ તો રહી જ ગઈ. હવે તો દીકરીને જન્મવાનો અધિકાર પણ છીનવી લઇ, ગર્ભમાં જ સ્ત્રી ભૃણ  હત્યા કરી નાંખવામાં આવે છે. આથી આ એક સમાજનો સળગતો પ્રશ્ન બની ગયેલ છે.
સને 1901 થી 2001 સુધીના વસતિ ગણતરીના પરીક્ષણ પ્રમાણે જોઈએ તો પુરુષોની સંખ્યા સામે મહિલાઓનું પ્રમાણ સાવ ઘટી ગયું છે . આ રીતે સ્ત્રીઓની સંખ્યા દિન – પ્રતિદિન ઓછી થતી જાય છે . તેનાથી ઘણી બધી સામાજિક સમસ્યાઓ જન્મે છે . દીકરી વિષે તો કહેવાય……” સમગ્ર માનવીઓના સંબંધોમાં સૌથી પવિત્ર અને ગિરિ ઉંચેરો જો કોઈ સંબંધ હોય તો તે છે પિતા – પુત્રી  કે  માતા – પુત્રીનો.”
સ્ત્રી ભૃણ હત્યા એ સમાજનો સળગતો પ્રશ્ન છે . ગામેગામ અને શહેરમાં આવા માનવ હત્યાના કતલખાના ખોલવામાં આવ્યા છે . જ્યાં સુધી આધુનિક સુશિક્ષિત ડોકટરો, શસ્ત્રો સાથે સુસજ્જિત છે ત્યાં સુધી આ પ્રશ્ન વણ ઉકેલ્યો જ રહેશે . સાચું કહેવાય છે કે ડોકટરનો મતલબ  ” ડોક   કટર  “. ડોક એટલે ગર્દન  અને કટર એટલે કાપવાવાળા . તેમાં પણ ગર્ભ હત્યાની આધુનિક અનેક રીતો વિકસિત થઇ છે . આ તો આપણી વિજ્ઞાન કળાનો આધુનિક મહા અભિશાપ છે ! આ પરિસ્થિતિ સમગ્ર સ્ત્રીજાતિ માટે અપમાનજનક છે . ત્યારે  ‘ કમલા ભસીન ‘ ના શબ્દોમાં કહી શકાય …….
“  देश  में  अगर  औरते  अपमानित है ,  नाशाद  है ,
         दिल पर रखकर हाथ कहिये देश क्या आज़ाद है ? “

” जिनका  पैदा  होना ही अपसुकन है नापाक  है ,
        औरतो   की जिंदगी  ये जिंदगी क्या खाक  है । “
સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારોએ જ સ્ત્રી ભૃણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે . ” નારી ભ્રુણ હત્યા ” એ સમસ્ત માનવજાત માટે મહાકલંક છે. ભૃણ હત્યાનો સિલસિલો આમ જ ચાલુ રહેશે તો વાંઢાઓની મોટી જમાત વધશે, બળાત્કાર જેવા જાતીય ગુના વધશે , સ્ત્રીઓની સલામતી ઘટશે અને કન્યાવિક્રય થશે . શું સ્ત્રી વિહોણી દુનિયાને આપણે કલ્પી શકીશું ? નહિ કારણ કે જો દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. જીવ જ જીવને જન્મ આપી શકે . મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે . તો દીકરીને સાપનો ભારો ગણનારા આવા લોકોને કહેવું જોઈએ ………
 ” દીકરી સાપનો ભારો નહિ, તુલસીનો ક્યારો  છે ;
     તે માં-બાપની સેવા કરનાર ઝળહળતો અવિરત તારો છે.”
નારી ભૃણ હત્યાનું દૂષણ સમાજમાં ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુધ્ધ ઝુંબેશ ઉઠાવવા સૌએ સક્રિય થવાની જરૂર છે. આ ઝુંબેશમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોએ સ્વૈચ્છિક રીતે હાથ મિલાવવાની તાતી જરૂર છે. દીકરી જન્મવાની છે તે જાણીને પતિ પત્ની ગર્ભપાત કરાવવાની ઈચ્છા દર્શાવે તો તેને અનૈતિક ગણી તબીબે જોરદાર વિરોધ કરવો જોઈએ. તેમને સમજાવવું જોઈએ કે દીકરીને ‘પરાયું ધન’ નહિ પણ ‘પોતાનું ધન’ સમજે. તબીબો પોતાના દવાખાનામાં – ‘ગર્ભપાત સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.’, ’ગર્ભસ્થ બાલિકા હત્યા પાપ અને ગુનો બને છે.’ જેવા પોસ્ટરો સ્થનિક ભાષામાં લખીને ભીંત પર લગાવે. આવા સૂત્રો પ્રિસ્ક્રીપ્શન લખી આપવાની બધી જ સામગ્રી પર મુકવા જોઈએ. જેમકે ,
” દીકરો  અમારો  દીકરો,  બૈરી લાવે ત્યાં  સુધી,
       દીકરી અમારી દીકરી, અમે જીવીએ ત્યાં સુધી. ”
” હૃદયે રાખી હાથ , વિચારો આપ ,
       ભ્રુણ   હત્યા   છે ,    મહાપાપ . “
આ ઉપરાંત આપણા  સમાજના ધાર્મિક નેતાઓ પણ આ સમસ્યા ઉકેલવામાં સાથ આપી શકે. ઘણા કુંટુંબોમાં વંશવેલો આગળ ચલાવવા દીકરો તો હોવો જ જોઈએ . પીંડ મુકનાર ન હોય તો મોક્ષ ન મળે , પુત્ર જ અગ્નિદાહ આપે તેવી માન્યતા રૂઢ થયેલી છે. તેથી એ પુત્રની ઝંખના સેવે છે.  આમ કરતા કરતા એ પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે . – ને એની ગર્ભમાં જ હત્યા કરાવી નીચામાં નીચા નર્કને લાયક બને છે . આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે . ડોકટરો , ધર્મગુરુઓ અને માતા-પિતાની સભાનતા જ આ સમસ્યાનો ઉકેલ છે . તેથી આ વાતને પ્રતિપાદિત કરતા કહી શકાય ….
” દીકરો દીકરી ગણીએ એક , સ્ત્રી ભૃણ હત્યાને કરાવી છે પેક .”
કોઈપણ સમસ્યાનો ઉકેલ તેના મૂળમાં જ હોય છે . સ્ત્રી ભૃણ હત્યાના ઉકેલ માટે નીચેના કાર્યક્રમોનું આયોજન કરી શકાય. જેમકે, સ્ત્રી ભૃણ હત્યા વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા, પ્રભાતફેરી, શેરી નાટક, પરિસંવાદો , માત્રુ – પિતૃ સંમેલનો વગેરે.
આ સાથે સમાજમાં પ્રવર્તમાન દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે . કારણ કે એક સારો દ્રષ્ટિકોણ એ સુખી જીવનની કેડી કંડારી શકે તેમ છે ! તેથી કહી શકાય ……..
” બદલાયે  જો દ્રષ્ટિકોણ  તો  હર માનવ બદલાય શકે  છે ;
    દ્રષ્ટિકોણના પરિવર્તનથી અખિલ વિશ્વ બદલાય શકે છે.”
આ લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

No comments: