સમગ્ર આંજણા પાટીદાર ચૌધરી સમાજનાં કુળદેવી અર્બુદા માતાજીના ભવ્ય મંદિર સંકુલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ચઢાવામાં આંજણા સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓએ મન મૂકીને માના ચરણોમાં રૂ.૭૦ લાખ જેટલી બોલી બોલતાં માતબર રકમ ચઢાવાથી એકઠી થઇ છે.
મહેસાણા - વિસનગર રોડ પર ગઢા-બાસણા સ્ટેન્ડ પાસે ભવ્ય અર્બુદા ધામનું નિર્માણ થઇ રહ્યું છે. આગામી ૧લી જૂનથી આ સંકુલનો ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે શ્રધ્ધાપૂર્વક યોજાશે. અર્બુદા ધામના નિર્માણ માટે રથ ફેરવાયો ત્યારે આંજણા સમાજના ધર્મપ્રેમીઓએ કુલ રૂ.૪ કરોડ જેટલી માતબર રકમ માના ચરણોમાં ધરી છે. ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મૂર્તિઓના યજમાન સહિત વિવિધ ચઢાવામાં પણ સમાજના અગ્રણીઓએ માતબર રકમની બોલી બોલી હતી અને રૂ.૭૦ લાખ જેટલી માતબર રકમ માના ચરણોમાં ધરી હતી. અર્બુદાધામના કન્વીનર નરસિંહભાઇ ચૌધરીના જણાવ્યું હતું કે, આ ભવ્ય મહોત્સવમાં અધ્ધરદેવી અર્બુદાધામ આબુ પર્વતથી માતાજીની જીવંત જ્યોત લાવવામાં આવશે. આ પ્રસંગે અધ્ધરદેવી આબુ પર્વતના ધામથી મહેસાણા નજીક નિર્માણ પામેલા અર્બુદાધામ સુધી ૧૬પ કિ.મી. માનવ સાંકળ રચાશે. જીવંત જ્યોતના પ્રસ્થાન સમયે સાંચોરના સાંસદ દેવજીભાઇ પટેલ, અખિલ આંજણા મહાસભાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી અમરારામજી ચૌધરી, અર્બુદાધામ (બાસણા)ના અધ્યક્ષ પ્રતાપભાઇ ચૌધરી સહિત સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેશે. ત્રણેય દિવસ હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે સમાજમાં સ્ત્રી-ભ્રુણ હત્યા નાબુદી માટે ૧લી જૂને રાત્રે ૯-૦૦ કલાકે મારી દીકરી લાડકવાયી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે રોટરી ક્લક અને બ્લડ બેંન્કના સહયોગથી ત્રણેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
No comments:
Post a Comment