શ્રીફળ
હિંદુસ્તાનમાં મંદિરોમાં ધરાવાતી સૌથી વધારે પ્રચલિત વસ્તુ શ્રીફળ છે. લગ્ન, તહેવારો, નવા વાહન, ઉદ્દઘાટન, ગૃહપ્રવેશ વગેરે પ્રસંગોએ પણ શ્રીફળ વધેરાય છે. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા જળ ભરેલા કળશની શુભ પ્રસંગે પૂજા થાય છે અને મહેમાનોનું સ્વાગત કરવામાં પણ તે વપરાય છે. હોમ હવન આદિ પ્રસંગે શ્રીફળ યજ્ઞવેદીમાં પણ પધરાવાય છે. શ્રીફળને વધેરીને ભગવાનની સન્મુખ રખાય છે. પછી તે પ્રસાદ તરીકે વહેંચાય છે. પ્રભુને પ્રસન્ન કરવા અને ઈચ્છાપૂર્તિ માટે પણ તે ધરાવાય છે.એક કાળ હતો જ્યારે, આપણી પાશવી વૃત્તિઓના પ્રતીકરૂપે, ભગવાનને પશુબલિ અપાતી હતી. આ પ્રથા ધીમે ધીમે બંધ થઈ અને તેના સ્થાને શ્રીફળને હોમવાની શરૂઆત થઈ. શ્રીફળ ઉપરનાં સૂકાં છોતરાં, ચોટલીના ભાગ સિવાય, છોલી નાખવામાં આવે છે. શ્રીફળ ઉપરની નિશાનીઓથી તે માનવમસ્તક જેવું દેખાય છે. અહંના નાશના પ્રતીકરૂપે શ્રીફળ ફોડવામાં આવે છે. મનની વાસનાના રૂપી એનું જળ અને મનરૂપી અંદરની સફેદ મલાઈ ભગવાનને ધરાવાય છે. આ રીતે પ્રભુના સ્પર્શથી શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે.સાધકનો આધ્યાત્મિક વિકાસ લીલા નારિયેળના પાણીથી અભિષેક – પૂજા કરવાથી થાય છે. એમ માનવામાં આવે છે.નારિયેળ નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. નારિયેળીના વૃક્ષનો દરેક ભાગ – તેનું થડ, પાંદડાં, ફળ, કાથી વગેરે છાપરું કરવા, સાદડી, આસન, તેલ, સાબુ, સ્વાદિષ્ટ રસોઈ વગેરેમાં વપરાય છે. તે જમીનમાંથી ક્ષારવાળું પાણી ચૂસે છે અને તેનું ખૂબ ફાયદાકારક અને મીઠા જળમાં રૂપાંતર કરે છે. આયુર્વેદનાં અનેક ઔષધ બનાવવામાં તથા અન્ય ઔષધ પદ્ધતિઓમાં તેનો ઉપયોગ થાય છે.છોલેલા નારિયેળ ઉપરની નિશાનીઓથી તે ત્રિનેત્રશ્વર ભગવાન શિવના જેવું દેખાય છે અને તેથી તે ઈચ્છાપૂર્તિ કરનારું ગણાય છે. ભગવાન અથવા જ્ઞાનીરૂપે પૂજામાં, સુશોભિત કળશ ઉપર શ્રીફળને મૂકીને, તેને ફૂલહાર પહેરાવીને પૂજવામાં આવે છે.
No comments:
Post a Comment